top of page

Teacher's Corner

 

 

              

 

 

શ્રીમતી હિનાબેન જોષી

ઉ.મા. વિભાગ

                                સચ્ચિદાનંદ ચિંતન કણિકાઓ

  • “જીવનનો સંદેશ વેદનામાંથી પ્રગટતો હોય છે. વેદના જ જીવનનો પર્યાય છે. તેને દૂર કરવાનું કામ ધર્મ કરે છે.”

  • “જીવન એક વાસ્તવિકતા છે. તેના પ્રશ્નો અને તેને સુલઝાવવાના કારણો પણ વાસ્તવિક છે. આ વાસ્તવિક કારણો પ્રત્યે વ્યક્તિનો અભિગમ બદલાય તો તે સુખી અને અવૈજ્ઞાનિક તુક્કાઓનો આશરો લેવાય તો દુ:ખી.”

  • જીવનમાં ઉત્તમ વ્યક્તિની પ્રાપ્તિ હીરાની કે સોનાની પ્રાપ્તિ કરતાં પણ વધુ મહત્વની છે. પછી તે વ્યક્તિ પતિ, પત્નિ, મિત્ર કે ગુરુ કોઇ પણ હોય. શ્રેષ્ઠ વ્યક્તિથી સંસારમાં કશું જ વધુ કિંમતી નથી કારણકે હીરો કે સોનું કદાચ કોઇ સમયે દુ:ખરૂપ થઇ શકે પરંતુ ઉત્તમ વ્યક્તિઓ જીવનમાં અનાયાસે મળી જતાં હોય છે તે સદા સુખકારી જ હોય છે. આવા અનાયાસે મળતા લાભો સાચે જ ઇશ્વરકૃપાની અનુભૂતિ કરાવે છે.

  • જવાબદાર વ્યક્તિ નિશ્ચિંત ન રહી શકે. ઉચિત ચિંતા તથા કંઇક મૂંઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વછંદી થતાં રોકે છે. કશી જ ચિંતા ન હોય અને જવાબદારી શૂન્ય જીવન હોય તો તેવું જીવન વરદાન નહિ અભિશાપ જ સમજવું.

  • સ્વયં કુદરતે જ માણસને એક વધારાની શક્તિ આપી છે એનું નામ છે “વિવેક”. વિવેકનો અર્થ થાય છે સત્ય-અસત્ય, તથ્ય-અતથ્ય, હિત-અહિત, કલ્યાણ-અકલ્યાણની સ્પષ્ટતા કરવાની ક્ષમતા. વિવેક એ જ જીવન છે એ ન્યાયે જીવનમાર્ગનું નિર્ધારણ જાગ્રત વિવેકથી થાય તો તે વધુ કલ્યાણકારી માર્ગ બની શકે. સૃષ્ટિ રચનાના પરિપ્રેક્ષ્યમાં આવેગો તથા લાગણીઓની યોગ્ય માત્રાના નિર્ણયમાં પણ તેનું અતિમહત્વ સમાયેલું છે.

  • ઘણી વાતો જાણવા છતાં પણ ઢાંકી દેવામાં કે ભૂલી જવામાં જ કલ્યાણ હોય છે. સત્ય પણ કલ્યાણકારી હોય તો જ પ્રગટાવવું હિતાવહ છે. જે સત્યના પ્રગટ થવાથી કોઇનાં જીવન રહેંસાઇ જતાં હોય તેવાં સત્યને પ્રગટ કરવું તે વિવેકનું પગલું ન કહેવાય. જટિલ જીવન ક્રિયામાં પ્રત્યેક પગલું વિવેકપૂર્વક ભરાય તો જ કલ્યાણ થાય. વિવેક હોય તો ક્રોધ પણ કલ્યાણકારી બને.

  • પરિણામની પરવા કર્યા વિના સત્ય બોલનારને કોઇ ને કોઇ બલિદાન આપવું જ પડતું હોય છે. લોકોની રુચી તથા ગમા અણગમાનું ધ્યાન રાખીને જન-મન-રંજન માટે બોલનારને ઘી-કેળાં મળતાં હોય છે.

  • “મોટા કાર્યની સફળતાનો આનંદ પુત્ર-જન્મ કરતાં પણ વધુ હોય છે. કાર્યોથી ભાગી છૂટીને આનંદ મેળવનારા અંતે તો જીવતાં મડદાં જ બની જતાં હોય છે. આવાં મડદાંને પૂજનારી પ્રજા પણ મડદાં જ બનતી હોય છે. જીંદગી એક ચેલેન્જ છે જેને ઉપાડનારની મર્દાનગી ખીલવા લાગે છે.”

  • જે દિવસે આપણે વર્ણ, વંશ અને વેશની પૂજા કરતાં ગુણોની પૂજાને વધુ મહત્વ આપીશું તે દિવસે માનવજાતનો સાચો અભ્યુદય થવો શરૂ થશે.

 

સંકલન: હિનાબેન જોષી

             ઉ.મા. વિભાગ

 

 

 

bottom of page